Comments

3/recent-comments

Sunday, 15 July 2018

"લજ્જા અને મર્યાદા"

"લજ્જા અને મર્યાદા"

રાત્રીનો પ્રથમ પ્રહર વિતી ગયો હતો. કચ્છની ભાવતી નગરી એટલે કે આજના ભદ્રેશ્વરના ઠાકોર હાલા જાડેજા દેશળજીબાવાનાં રાણી રૂપાળીબા દરબારગઢ ના પોતાના શયનખંડમાં માથું માથું ચોળી રહ્યા હતા. મસ્તકનાં કેશ સવારી રહ્યા હતા. પગની પાની લગી પહોંચે એવી નાગણ જેવી લટો એમના આખા શરીરની આસપાસ ફરી વળી હતી. દિવેલનું નાનું કોડિયું એમના મનોહર મુખમંડળ સામે ટમટમતું હતું. એક મોટો આયનો એમના રાત્રીના ચેહરા સામે ગોઠવાયલો હતો. રાણી રૂપાળીબા શાંત વાતાવરણમાં પોતાના બાલ સવારવામાં એકતાન બની ગયા હતા. પોતાના સુંદર સ્વરૂપ પર પોતેજ મુગ્ધ બની ગયા હતા.
રૂપાળીબામાં નામ પ્રમાણે જ ગુણ હતા. રૂપ રૂપ નાં અંબાર જેવા રૂપાળીબાનું રૂપ જોઇને આકાશનો ચંદ્ર પણ ઘડીભર થંભી જાય-ઝંખવાય જાય વિધાતા એ એમને ઘડીને જાણે હાથ જ ધોઈ નાખ્યા હોય.

ભદ્રેશ્વરનાં ઠાકોર દેશળજીબાવા આજે ગામમાં ન હતાં. બહાર ગામથી મોડા પધારવાના હોવાથી રાણી રૂપાળીબા નિશ્ચિત મને પોતાનું કાર્ય કરી રહ્યા હતાં. દીવડો બાજુમાં જ જલતો હતો.અરીસો રાણીજીનાં રૂપાળા મુખકમળનાં પ્રતિબિંબનું દર્શન કરાવી રહ્યો હતો. રાણી રૂપાળીબા પોતેજ પોતાના અનેરા સૌન્દર્યને નિહાળીને મંદ મંદ મલકતા હતાં.
એટલામાં એકાએક કોઈકનાં પગલાંનો અવાજ કાન પર આવી પડયો. રાણીજી ચમકી ગયાં. વિચારમાં પડી ગયાં કે ભુલથી આજે શયનગૃહનો દરવાજો અધુરો જ દેવાયો કે શું? રાણીજીએ મુખ ફેરવ્યું ત્યાં તો ખુદ ઠાકોરને જ આવતાં દીઠા. આ અણધાર્યા ને અણચિંતાવ્યા ઠાકોરને આવી પહોંચેલા ભાળીને રાણી પર તો જાણે વિજળી પડી. શરમમાં શરમાઈ ગયેલા રાણીજીને ધરતીમાં પેસી જવાનું મન થઇ ગયું.
આજે આપણને નવાઈ લાગશે. પણ એ સમય જૂનો જમાનો લાજ-મર્યાદાથી ભરપૂર હતો. પતિની મર્યાદા પણ અમુક રીતે પત્નીને પાળવી પડતી. રાજપુત સમાજમાં તો લાજ-મર્યાદાની આ પ્રથા એની પરાકાષ્ઠાએ પહોંચી હતી.પતિની પણ અમુક હદે મર્યાદા જાળવવી પડતી. મર્યાદાનો ભંગ એ સમયે અસહ્ય ગણાતો.
ઠાકોર ને એકાએક આવતાં ભાળીને ઠકરાણી ચમકી ગયાં. તેલના કોડીયાની બળતી દિપશાખા પર એમણે એકદમ પોતાની આંગળી ડાબીને તેને દબાવી દીધી-હોલવી નાખી. શયનગૃહ અંધકારથી ઘેરાઈ ગયું.

પુરુષ જાતિની એક નબળાઈ છે. એના વહેમી સ્વભાવની. રાણીએ એકાએક દીવો કેમ ઠારી નાખ્યો ? ઠાકોર વહેમાઈ ગયા. એમના મનમાં વહેમનો વસવસો વધી ગયો. એમને વિચાર આવ્યો : આ શું ? વહેમના આવેશમાં ઠાકોરે મ્યાનમાંથી સડસડાટ કરતી તલવાર ખેંચી કાઢી. ક્રોધથી ખોખરા બનેલા અવાજે બરાડી ઉઠ્યા : કોણ છે મહેલમાં ?
ઠાકોરના મુખમાંથી બહાર પડેલો આ વિચિત્ર ઉદગાર સાંભળતા રાણીની આનંદજનક લજ્જાળુતા દુ:ખદાયક ભોંઠપમાં ફેરવાઈ ગઈ રાણીનું પવિત્ર અંત:કરણ પોકારી ઉઠયું:અરરર! મારા ઠાકોરનો મારા પર આટલો બધો અવિશ્વાસ ? અને એજ વખતે ચમકતી ચાંદની જેવી એમની મુખકાન્તિ પર શ્યામ છાયા પથરાઈ ગઈ.

લોકકથા તો ત્યાં સુધી આગળ વધીને કહે છે કે એ સમયે સતીરાણી રૂપાળીબાએ પોતાની આંગળી ઠરી ગયેલી દિપશિખાને અડકાળીને દિપને ફરી ઝળહળતો કરી દીધો હતો.

દીવાના ઝાંખા પ્રકાશમાં રાણીના નિસ્તેજ મુખમંડળને નિહાળીને ઠાકોર પણ છોભિલા પડી ગયાં. એમણે પોતાનાં ઉતાવડીયા અવિચારી શબ્દો માટે દિલગીરી વ્યક્ત કરી. પણ કુવાક્યનો કાપ રૂઝવવા માટે દિલગીરીની કોઈ દવા કામયાબ નિવળતી નથી. ઠાકોરનાં કડવા વેણનો કાર મો ઘા રાણી
રાણીજીનું આખું સ્વરૂપ હવે પલટી ગયું. મેઘ ગંભીર દુ:ખદ અવાજે રાણી બોલી ઉઠ્યા : ઠાકોર તમારા મનમાં મારા માટે આવો કુવિચાર પેસી ગયો. તે જોતા મને જણાય છે કે આપણો ગૃહસ્થાશ્રમ હવે છ માસ કરતાં વધુ વખત ચાલવાનો નથી. એટલે આપણે આજથીજ આપણા સંસારી જીવનને સંકેલી લઈએ એમાંજ આપણું શ્રેય છે. રાણીજીનાં આ ગંભીરતા પૂર્ણ શિક્ષાત્મક શબ્દો એક ગુનેગારની અદાથી ઠાકોર સાંભળતા રહ્યા. પોતાની શંકાશીલ દ્રષ્ટિ માટે એમને હવે પસ્તાવો થવા લાગ્યો. પણ પસ્તાવાથી મૂળ હકીકતમાં કશો ફરક પડતો નથી. તે દિવસથી ઠાકોરનો ઢોલીઓ ડેલીમાં ઢળતો થઈ ગયો.
આ ઘટના પર છ માસનો સમય વીતી ગયો એ અરસામાં કચ્છન ની રાજગાદી પર મહારાઓ પ્રાગમલજી આવી ગયા હતાં. પ્રાગમલજી ભુજ ની ગાદીએ આવ્યા તેની પાછળ એક નાનકડો નવાઈ જેવો ઇતિહાસ છે. આજથી ત્રણસો વર્ષ પહેલાની આ ઘટના છે.
પ્રાગમલજીના પિતા રાયધણજી ને ૧૧ કુંવરો હતા. પાટવી કુંવર નોગણજી તો રાઓ રાયધણજીની હયાતીમાં જ દેવલોક પામ્યા હતા. બીજા કુંવર રવોજી ખડીરના સોઢા ભોજરાજજીના હાથે મરાયા હતા. ત્રીજા કુંવર હતા પ્રાગમલજી.

રાયધણજીનાં અવસાન વખતે બધા કુંવરો પિતાના દેહના અગ્નિસંસ્કાર અર્થે છતરડીએ ગયા ત્યારે પ્રાગમલજી આંખો દુ:ખવાને બહાને રાજમહેલમાંજ રોકાય રહયા. આ તકનો લાભ ઉઠાવી, થોડા સરદારો અને પ્રજાજનોનો સાથ લઈને પ્રાગમલજી કચ્છની રાજગાદી પર બેસી ગયા. દરબારગઢના નગારાખાના પરથી રાજ્યાભિષેકની નોબતો ગગડવા લાગી.

રાજનોબતોનો અવાજ સ્મશાનભુમી સાંભળીને બધા કુંવરો અને રાજકુટુંબના સભ્યો એકદમ ચમકી ઉઠ્યા. એ વખતે પ્રાગમલજીના કુંવર ગોડજી-જે સ્મશાનમાં હાજર હતા તેમણે એક નવા દાવનો પાસો ફેંક્યો અને બોલી ઉઠ્યા: આતો મારા ભોળા પિતાનું કામ હશે. હું હમણાંજ જઈને એમને સમજાવું છું. આમ કહીને ગોડજી સ્મશાનમાંથી ચાલીને શહેરમાં ગયા. અને પિતાની અધૂરી યોજનાને પુરી કરવા, ભુજનાં ' આલમપનાહ' ગઢના જે દરવાજા અત્યાર લગી ઉઘાડા હતા તે એમણે જડબેસલાક બંધ કરાવી દીધા અને ગઢના દરવાજાની અંદર કોઈપણ પ્રવેશ કરવા ન પામે તેવો સખત હુકમ ફરમાવતા ગયા.
આમ એકાએક આખી બાજી પલટાઈ ગઈ સ્મશાને ગયેલા કુંવરો શહેરમાં દાખલ થવાનો મનાઈ હુકમ સાંભળી મુંઝાઈ પડ્યા. એમના માટે હવે કોઈ રસ્તો રહ્યો નહતો. એટલે સૌ ભુજ થી ચાલી નીકળ્યાં અને પ્રથમથીજ તેમના માટે નક્કી થયેલા થાણા દબાવીને બેસી ગયા.
રાજગાદીના ખરા વારસદાર બીજા સ્વર્ગવાસી રવાજીના કુંવર કાંયાજીએ વાગડમાં કટારીયાના પ્રદેશ પર પોતાની સતા જમાવી આ કાંયાજી એક પરાક્રમી પુરુષ હતા. થોડા જ વખતમાં એમણે મોટી લશ્કરી જમાવટો કરી લીધી અને કચ્છ રાજયનાં ગામોમાં લૂંટફાટ ચલાવવા માંડી.

કાંયાજીના તોફાનોને દાબી દેવા માટે ભુજના મહારાઓ પ્રાગમલજીના પાટવી કુંવર ગોડજી એક મોટી ફોજ સાથે કટારીયા પર ચડી ગયા. એ વખતે કચ્છ ના ગુંદીયાળી ગામથી હાલા જાડેજા ઓઠાજી અને હક્કજી તથા ભદ્રેશ્વરના ઠાકોર હાલા જાડેજા દેશળજી અને રવોજી પણ દરબારી સૈન્ય સાથે જોડાય ગયા. આ ચારે રણવીરો કાંયાજી ના લશ્કર સામે બહાદુરીથી લડ્યા અને ચારેય કામ આવી ગયા.આ સંગ્રામમાં દરબારી સૈન્યના બીજા પણ અનેક વીરો કામ આવી ગયા.
કટારીયાના આ ધીગણામાં દેશળજી કામ આવી ગયા, એવા સમાચાર ભદ્રેશ્વરમાં આવી પહોંચ્યાં. દેશળજીબાવાએ પોતાની પાઘડી અને બેરખો રાણી રૂપાળીબાને મોકલી આપેલાં પતિની મોકલાવેલી આ બે વસ્તુ પર દ્રષ્ટિ પડતાંજ સતી રૂપાળીબાને સત ચડ્યું અને પતિની પાઘડી અને બેરખો ખોળામાં લઈને સતીમાતા રૂપાળીબાએ અગ્નિસ્નાન કર્યું.

આજે પણ ભદ્રેશ્વર ગામમાં સતી રૂપાળીબાની મેડી સતી ના સ્ત્રીત્વની યાદો સાથે પૂજાય છે. અને આજે પણ ભદ્રેશ્વરના દરબારોની દીકરીઓ પોતાના લગ્નપ્રસંગે સાસરે વરાવતાં પહેલા સતી રૂપાળીબા ની મેડીએ કંકુવર્ણિ હાથના થાપા મારીને પોતાના સુખી લગ્નજીવન માટે સતી રૂપાળીબાનાં આશિર્વાદ લઈને સાસરે સિંધાવે છે.

સંકલન: નરેન્દ્રસિંહ જી વાજારાઠોડ (ભાણુભા) ભદ્રેશ્વર-કચ્છ

Share:

0 comments:

Post a Comment

Sample Text

Copyright © ગુજરાતી લોક સાહિત્ય | Powered by Blogger Design by ronangelo | Blogger Theme by NewBloggerThemes.com